GCASના ફોર્મ માટે યુનિ-કોલેજોમાં ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર શરૂ થશે

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રિવ્યૂ બેઠક મળી હતી. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સાયબર કેફે કે અન્ય સ્થળે ફોર્મ ભરવા જવું પડે નહીં તે માટે દરેક યુનિવર્સિટીઝ અને કૉલેજ ખાતે ફ્રી ફ્રોર્મ ફીલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. વધુમાં GCAS દ્વારા યુનિવર્સિટીઝને 15 દિવસનો સમય આપીને પોત-પોતાની જરૂરિયાત મુજબ એડમિશન રાઉન્ડ ચલાવવા માટેની પરવાનગી આપવી અથવા GCAS દ્વારા શિડ્યૂલ આપવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

ગત વર્ષે સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઝ થકી કૉલેજમાં એડમિશન માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં કેટલીક ત્રુટિઓમાં સુધારો કરીને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વધુ સુગમ અને સરળ બનાવવા અને રાજ્યના એકપણ વિદ્યાર્થીને એડમિશન પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મંત્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી. વિભાગ દ્વારા ગત વર્ષ પડેલી કેટલીક અગવડ તેમજ નવીન સુધારા સાથેનું પોર્ટલ કાર્યાન્વિત કરાયું છે. વધુમાં આ નવીન સુધારાઓને પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના સુધારાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આવકારવામાં આવ્યા હતા. પબ્લિક તરફથી મળેલ જરૂરી સૂચનોને પણ આ નવીન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *