ગુજરાતમાં આજથી ગમે ત્યાં સુધી ગરબા રમી શકો : ગૃહરાજ્યમંત્રી

ગુજરાતમાં 12 વાગ્યા સુધી જ ગરબા આયોજન કરવાના નિયમમાં રાજ્ય સરકારે છૂટ જાહેર કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે ખેલૈયાઓ ગુજરાતની સંસ્કૃતિના ભાગરૂપ એવા રાસ ગરબાનો આનંદ વધુમાં વધુ સમય સુધી લઇ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચન કર્યું છે. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.

જો કે ખાનગી ગરબા આયોજકોએ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે ગરબામાં લાઉડ સ્પીકરના અવાજને કારણે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી કોઇ ખલેલ પહોંચવી જોઇએ નહીં. આ માટે ખાનગી ગરબા આયોજકો રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા ચાલું રાખવા ઇચ્છતા હોય તો તેમણે ઓછો અવાજ કરે તેવી મ્યુઝિક સિસ્ટમ પર ગરબા કરાવવા પડશે. જો ગરબા સ્થળ રહેણાંક વિસ્તાર કે હોસ્પિટલોથી સારાં એવાં અંતરે હોય તો કોઇ નિયંત્રણ રાખવાની જરૂર નથી. આ ઉપરાંત જો મોડે સુધી ગરબા ચાલું રહે તો આયોજકોએ ખેલૈયાઓની સલામતી અને ટ્રાફિકને લગતી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.
આ સિવાય શહેરી વિસ્તારોમાં પોલીસ સમગ્ર રાત દરમિયાન પેટ્રોલિંગ કરતી રહેશે. જાહેર માર્ગો કે અન્ય કોઇપણ સ્થળે બિનજરૂરી ટ્રાફિકજામ થાય નહીં તે પણ પોલીસ જોશે અને સાથે કોઇ નાગરિકને મદદની જરૂર હોય તો પણ તેઓ ત્વરિત ત્યાં પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *