શાપર-વેરાવળ પાસે ઓમ પેટ્રોલિયમ નામે ભાગીદારીમાં પેટ્રોલ પંપ ચલાવતા અને કાંગશિયાળી ગામે રહેતા હર્ષદભાઇ હરિભાઇ કાલરિયા તેના પંપેથી એક લાખની રોકડ થેલામાં લઇને એક્ટિવા સાથે નીકળતા ત્રણસવારી બાઇકના ચાલકે તેને આંતરી છરી બતાવી રોકડ,મોબાઇલ અને એક્ટિવા સહિત રૂ.1.60 લાખની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે જિલ્લા એલસીબી અને શાપર પોલીસે માહિતીને આધારે ગોંડલ રોડ પરથી કારમાં નીકળેલા બે બાળ આરોપી સહિત ચારને ઉઠાવી લઇને પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં તે રાજકોટમાં પ્રણામી ચોકમાં રહેતો શાહરુખ અકબરઅલી અંસારી અને કોઠારિયા સોલવન્ટ પાસેના રસૂલપરામાં રહેતો અને પેટ્રોલ પંપમાં નોકરી કરતો રાહીલ હમીરભાઇ નારેજા તેમજ અન્ય બે બાળ આરોપી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની વધુ પૂછતાછમાં સાસણ-દીવ ફરવા જવું હોય પ્લાન બનાવી રાહીલે પેટ્રોલ પંપના સંચાલકને લૂંટી લીધા હતા. બાદમાં કાર લઇને ફરવા નીકળતા પોલીસે દબોચી લીધા હતા.