અદમ્ય ઉત્સાહ અને અડગ શ્રધ્ધા પગમા એવું તો બળ પુરું પાડે કે પછી કદમ વણથંભ્યા નિશ્ચિત મંઝિલ સુધી અવિરત ચાલ્યા જ કરે અને તેનો થાક પણ કયારેય ન લાગે, આ કાર્યક્રમ વર્ષો વર્ષની પરંપરા બની જાય. ગાંધીનગરના લોહાણા યુવા સંગઠને 25 વર્ષ પહેલાં આવું જ એક બીડું ઝડપી લીધું હતું અને ત્યારથી આજ દિન સુધી ગાંધીનગરથી ચાલીને વીરપુર આવવાની પરંપરા જળવાઇ રહી છે. ઓણ સાલ પણ યુવાનોએ ગાંધીનગરથી 10મીએ પ્રસ્થાન કર્યું અને જ્યાં તેમનું સન્માન કરાયું હતું.
ગાંધીનગરથી સંઘનું પ્રસ્થાન કરી આજે યુવાનો, બહેનો અને વડીલો ગોંડલ ખાતે આવી પહોંચ્યા હતા અને લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે વિસામો લઇ ધન્યતા અનુભવી હતી. છેલ્લા 25 વર્ષથી આ સંઘ દર વર્ષની માફક ગોંડલ પદયાત્રીઓ પહોંચે ત્યારે લોહાણા વિદ્યાર્થી ભવન તથા રઘુવંશી સોશ્યિલ ગ્રુપના કાર્યકરો તેમની સેવા કરવાનો લાભ લે છે. ધૂન-ભજન-કિર્તનની સાથે પદયાત્રીઓ માટે ગોંડલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં રહેવા તથા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ તકે ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ કિશોરભાઈ ઉનડકટ, રઘુવંશી ક્રેડિટ કો.ઓપ. બેન્ક ના ચેરમેન જગદીશભાઈ ખીમાણી, રઘુવંશી સોશ્યિલ ગ્રુપના પ્રમુખ મિતુલભાઈ ખીમાણી, વિક્રમભાઈ તન્ના સહિતના ઉપસ્થિત રહ્યા હતા.