કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને લઈને એક મોટો વિવાદ ઊભો થયો હતો. યૂટ્યુબર રણવીર અલ્લાહબાદિયા પણ એક શોમાં જ્જની પેનલમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે માતા-પિતાના અંગત જીવન વિશે એક અશ્લીલ કોમેન્ટ કરી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આજે યૂટ્યુબરની પાસપોર્ટ પરત કરવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રણવીરને મોટી રાહત મળી છે અને કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે.
રણવીરની અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બેન્ચને જાણકારી મળી કે આસામ અને મહારાષ્ટ્ર નોંધાયેલા કેસમાં તેની વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ ગઈ છે એટલા માટે શરતો હળવી કરવામાં આવી. બેન્ચે અલ્લાહબાદિયાને તેનો પાસપોર્ટ પાછો મેળવવા મહારાષ્ટ્ર સાયબર પોલીસ બ્યુરોનો સંપર્ક કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિનવ ચંદ્રચુડને કહ્યું કે- તે આગામી સુનાવણીમાં તેના ક્લાયન્ટ સામે દાખલ કરાયેલી FIRને એક જગ્યાએ ભેગી કરવા પર વિચાર કરશે.
સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં રણવીરે માતા-પિતા પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ પછી, મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. યુટ્યૂબરે 14 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.