ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓ માટે વર્ષ 2026-27થી ફી નિર્ધારણ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શાળાઓએ નિયત ફી કરતાં ઓછી ફી લેવા માટે 1 સપ્ટેમ્બરથી ઑનલાઇન એફિડેવિટ સબમિટ કરવાની રહેશે.
અત્યાર સુધી ખાનગી શાળાઓ ફી સંબંધિત વિગતો ઑફલાઇન મોડમાં સબમિટ કરતી હતી. જોકે આ નવા નિર્ણયથી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે તેવી અપેક્ષા છે. સ્લેબથી વધુ ફી વસૂલવા માગતી શાળાએ ફાઈલ રજૂ કરવી પડશે.
શિક્ષણ બોર્ડ દ્વારા દરેક સ્કૂલો કે જેઓે ઓછી ફી વસૂલવા માગે છે તેઓને ઓનલાઇન એફિડેવિટ રજૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે. વર્ષ 2026-27ની ફી નક્કી કરવા માટે આગામી 1લી સપ્ટેમ્બરથી એફિડેવિટ સ્વીકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
સ્કૂલોએ એફઆરસી ગુજરાત પોર્ટલ પર આ પ્રક્રિયા કરવાની રહેશે. દરેક સ્કૂલોને 1લી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાની રહેશે. જે સ્કૂલોએ સ્લેબ કરતાં વધારે ફી લેવાની છે તેઓએ વધારે ફી માટે દરખાસ્ત કરવાની રહેશે.
આ દરખાસ્ત સાથે તમામ પ્રકારના દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. આ તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કઇ સ્કૂલને કેટલી ફી વધારો આપવો તેની સત્તાવાર જાહેરાત ફી કમિટી દ્વારા કરવામાં આવશે.