રાજકોટના જેતપુરમાં બાંધકામ માટે મકાન બનાવી વેચવાની લાલચ આપી વૃધ્ધા સાથે રૂ.12 લાખની ઠગાઇ

રાજકોટ જિલ્લાના જેતપુરના વેકરિયાનગરમાં રહેતા વૃધ્ધાએ ખરીદેલા પ્લોટમાં મકાનો બનાવી વેચવાની લાલચ આપી તે પેટે 12 લાખ બાંધકામ માટે મેળવી લીધા હતાં. જે બાદ ઠગાઇ કરતાં એક મહિલા સહિત કુલ 3 સામે પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી પૂછપરછ શરૂ છે. સાથે જ અન્ય બે વ્યક્તિના નામ ખુલતા તેની અટકાયતની તજવીજ હાથ ધરી છે.

વૃધ્ધાને સારી આવક થશેની લાલચ આપી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં વેકરીયાનગરમાં રહેતા મછાંબેન અમરૂભાઈ કરપડાની જેતપુર શહેરના રેવન્યુ સર્વે નંબર 705માં પ્લોટ નંબર 36 તથા 37નો પ્લોટ ફરિયાદીએ એક વર્ષ પહેલા ખરીદ્યો હતો. આજથી 5 મહિના પહેલા ચંદુભાઈ ભૂપતભાઇ મકવાણાએ તેમની પાસે આવી અને પ્લોટમાં મકાનો બનાવી વેચવાની લાલચ આપી સારી એવી આવક થશે તેવી વાત કરી ફરિયાદી મહિલાને પોતાના વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ચંદુભાઈ મકવાણા તેમજ તેમની સાથે જગજીત વસંતભાઈ ટોળીયા તથા ગાયત્રીબેન વસંતભાઈ ટોળીયા ત્રણેય લોકોએ તેમને વિશ્વાસમાં લઈ સાથે મળી આ પ્લોટમાં સાત જેટલા મકાન બનાવવાની વાત કરી તમામના ભાવ 25 લાખ ઉપરાંત રાખવાનું કહ્યું હતું. જેમાં કુલ ખર્ચ 1 કરોડ 30 લાખ જેવો થશે તેવી વાત કરી મહિલાને પોતાના વિશ્વાસમાં લીધા હતા.

સમયાંતરે કુલ 12 લાખ પડાવી લીધા
વૃધ્ધાએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અભણ હોય તેમજ આ બાબતમાં કરાર માટે મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા. જ્યાં અંગૂઠો લઈ તેમને પૈસા મળી ગયા હોવાની વાત કહેવાનું જણાવ્યું હતું. રૂપિયા 11 લાખનો ચેક આપી મહિલાના ખાતામાં 11 લાખ રૂપિયાનો ચેક જમા કરાવેલ હતો. બાદમાં 11 લાખ રૂપિયા પરત બેંકમાંથી ઉપડાવી અને ચંદુભાઈ મકવાણા અને જગજીતભાઈ ટોળીયા લઈ ગયા હોવાનું જણાવ્યું છે. આ બાદ સમયાંતરે કુલ અલગ-અલગ વધુ બીજા 12 લાખ રૂપિયા પણ લઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406,420,114 મુજબ છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *