શહેરમાં હાર્ટએટેકથી મહિલા સહિત વધુ ચાર વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેમાં બંસીધર સોસાયટીનો યુવક તો બુધવારે દ્વારકા જનાર સંઘમાં જોડાઇને દ્વારકા જવાનો હતો ત્યાં તેની જિંદગીનો અંત અાવી ગયો હતો. મવડીની કેકે રેસિડેન્સીમાં રહેતા મુકેશભાઇ ગોકળભાઇ પીપળવા (ઉ.વ.52) મંગળવારે સવારે ઘરે બેભાન થઇ ઢળી પડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
જ્યારે રૈયાધાર શાંતિધામ ગેટ પાસેની બંસીધર સોસાયટીમાં રહેતા જેશાભાઇ વિહાભાઇ કિહલા (ઉ.વ.47)ને પણ સવારે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું પણ મૃત્યુ થયું હતું. દ્વારકા ચાલીને જતાં સંઘમાં સેવા આપવા માટે બુધવારે જેશાભાઇ સંઘ સાથે જોડાવાના હતા પરંતુ તેમનું મૃત્યુ થતાં કિહલા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ ઉપરાંત માધાપર ચોકડી નજીક સિદ્ધિ વિનાયક મંડપ સર્વિસ ડેકોરેશનના ગોડાઉનમાં કામ કરતાં અને ત્યાં જ રહેતા બિહારના વતની સુરેન્દ્ર મુરારીભાઇ યાદવ (ઉ.વ.42)નું સવારે હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. તેમજ ચુનારાવાડમાં રહેતા ઉષાબેન તુલસીભાઇ રાઠોડ (ઉ.વ.39) સોમવારે સાંજે પોતાના ઘરે બેભાન થઇ ગયા હતા અને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું.