શહેરના ગોકુલધામ વિસ્તારમાં રહેતી યુવતી અને તેનો મિત્ર સંક્રાંતના દિવસે પોતાના ઘરે બેઠા હતા ત્યારે ચાર શખ્સે ત્યાં ધસી જઇ એક શખ્સે યુવતીનો હાથ પકડીને બીભત્સ માંગ કરી હતી. યુવતીએ પ્રતિકાર કરતાં ચારેય શખ્સે મારકૂટ કરી યુવતીનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું અને યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર પર ધોકા,પાઇપથી હુમલો કરી યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા હતા.
ગોકુલધામ આરએમસી ક્વાર્ટર્સમાં રહેતી 24 વર્ષની યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરિયો ગઢવી, મેટિયો ઝાલા, યાસીન ઉર્ફે ભૂરો અને એક અજાણ્યો ઇસમ હોવાનું કહ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સંક્રાંતના દિવસે બપોરે બાર વાગ્યે તેણે તેના મિત્ર સોહિલને ફોન કરીને પૈસાની જરૂરિયાત હોવાનું કહેતા સોહિલ રૂ.10 હજાર લઇને યુવતીના ઘરે ગયો હતો અને ઘરમાં બંને બેઠા હતા. સાંજે સાતેક વાગ્યે પરિયો ગઢવી સહિત ચાર શખ્સ ત્યાં ધસી ગયા હતા અને બોલાવતાં યુવતી ઘરની બહાર નીકળી હતી. તે સાથે જ મેટિયા ઝાલાએ યુવતીનો હાથ પકડી લીધો હતો અને બીભત્સ માંગ કરી હતી.
યુવતી શરણે થઇ નહોતી અને તેણે પ્રતિકાર કરતાં મેટિયો ઝાલા, પરિયો ગઢવી સહિત ચારેય ઉશ્કેરાયા હતા અને યુવતી સાથે ઝપાઝપી કરી તેને ઢીકાપાટુનો માર મારી તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું. યુવતી પર નિર્લજ્જ હુમલો થતાં તેને બચાવવા સોહિલ વચ્ચે પડતાં ચારેય શખ્સે ધોકા,પાઇપથી સોહિલ પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા.