શહેરના ઉપલાકાંઠા વિસ્તારના દૂધસાગર રોડ પર નવા વર્ષની સાંજે ચાર નશાખોરોએ યુવક પર છરીથી હુમલો કર્યો હતો. ઓટલા પર બેસવાના મુદ્દે માથાકૂટ કરી યુવકને છરીના ઘા ઝીંક્યા હતા. દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા ગુલામહુસેન ઉર્ફે અયાન આહમદભાઇ જુણેજાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાબાજ ઉર્ફે જરી સલીમ હિંગરોજા, આતિફ ઉર્ફે ત્રણસો બે અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ગુલામહુસેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ની સાંજે પોતે તથા તેનો મિત્ર ઉમેદ ગફારભાઇ સંધી દૂધસાગર રોડ પર એચ.જે.સ્ટીલની સામે ગેસના ગોડાઉન પાસે ઓટલા પર બેઠા હતા ત્યારે સાબાજ ઉર્ફે જરી અને આતિફ ઉર્ફે ત્રણસો બે ત્યાં ધસી ગયા હતા અને અહીંયા કેમ બેઠા છો તેમ કહી ગુલામહુસેન અને ઉમેદને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય બે મિત્ર ધસી આવ્યા હતા અને ચારેય નશાખોર હાલતમાં હતા અને માર મારવા લાગ્યા હતા.
હુમલાથી ગભરાઇને ગુલામહુસેન અને તેનો મિત્ર ઉમેદ ત્યાંથી નીકળી સિદ્દીકી મસ્જિદ સામે ચાની લારીએ જતા રહ્યા હતા. થોડીવાર બાદ સાબાજ અને આતિફ ત્યાં પહોંચ્યા હતા અને ગુલામહુસેનને છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. ઉમેદ મોકો મળતાં જ ત્યાંથી નાસી ગયો હતો. હુમલામાં ઘવાયેલો ગુલામહુસેન લોહિયાળ હાલતમાં તરફડિયા મારતો હતો ત્યારે પોલીસ આવી પહોંચતા હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા ગુલામહુસેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.