શિક્ષણ વિભાગે પહેલીવાર AIનો ઉપયોગ કરીને રાજકોટ સહિત રાજ્યમાં ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા 1.68 લાખ બાળકો શોધ્યા!

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ (ધો-1થી 8)માં આજે લગભગ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓમાંથી EWS થકી અત્યાર સુધીમાં લગભગ 1,68,000 એટલે કે 2%થી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવે છે.

રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે, EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા આ 1,68,000 બાળકો તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. આ માટે આ બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરાશે અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે, તેની સમજ આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં અને ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તમામ શાળાઓને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ના લોગઇનમાં ઉપલબ્ધ છે.

પ્રવેશોત્સવ દરમિયાન બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) કો-ઓર્ડિનેટર અને શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે કાર્યવાહી હાથ ધરાશે. અર્લી વોર્નિંગ સિસ્ટમ થકી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ લોકજાગૃતિ, વાલીસંપર્ક અને સામુદાયિક સહયોગ થકી બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *