ગુજરાતના જાણીતા લોક ગાયિકા અને ગૌરક્ષક સમિતિના પૂર્વ ડિરેક્ટર ફરીદા મીરનો હુમલો અને ધમકીના ગુનામાં કોર્ટે નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે. લોક ગાયિકા ફરીદા મીર વર્ષ 2013માં ગુજરાતના ગૌરક્ષક સમિતિના ડિરેકટર હતા તે દરમિયાન આઇશરમાં ગૌવંશને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા ફરીદા મીર સહિતના ચાર વ્યક્તિએ મનોજ જીવરાજભાઈ પનારાને અટકાવી તેની પાસેથી પશુઓ અંગેના દસ્તાવેજોની માગણી કરી હતી. દસ્તાવેજો ન બતાવતા લોક ગાયિકા ફરીદા મીર સહિતના ચારેય વ્યક્તિઓએ મનોજ પનારાને માર મારી વાહનમાં નુકશાન કરી ધમકી આપ્યાની મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી મનોજ પનારાએ રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશનમાં 24/4/2013ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીદા સહિતના આરોપીઓ વિરુદ્ધ IPC 143, 147, 323, 504, 427 વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ફરીદા મીર તથા તેની સાથે અન્ય ચાર વ્યક્તિ ગુજરાત રાજય ગૌ સેવા આયોગના કાર્યકર્તા હોય જેઓને બાતમી મળી કે, આઇસર વાહન નંબર જીજે.19.ટી. 1724માં ગૌવંશોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા ફરીદા મીર તથા તેની સાથે અન્ય ચાર વ્યકિતઓએ અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી.