સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઊપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા, જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી બેની હાલત ગંભીર થતાં 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે રેલવેતંત્ર, પોલીસ વિભાગ હરકતમાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન પર દોડી ગયો હતો, જ્યાં લોકોની ભીડને કાબૂમાં લઈ બેભાન થયેલા લોકોને સારવારમાં ખસેડ્યા હતા. હાલ રેલવે સ્ટેશન પર પોલીસે સમગ્ર ભીડ પર કાબૂ મેળવી લીધો છે. રેલવે સ્ટેશન સામાન્ય ભીડ જોવા મળી રહી છે.
આ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ સ્મિમેર હોસ્પિટલ પહોંચ્યાં હતાં, જ્યાં ધક્કામુક્કીમાં મૃત્યુ પામનારના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલાની મુલાકાત લીધી હતી. ઇજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવી સમગ્ર ઘટના અંગેનો તાગ મેળવ્યો હતો. ઘટના બાદ મંત્રીઓ અને રેલવે પ્રશાસન દોડતું થયું છે. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની દર્શના જરદોશે જાહેરાત કરી હતી. આ સાથે જ રેલવે પ્લેટફોર્મ પર સુવિધા આપવા મામલે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ ગોળ ગોળ વાત કરી હતી.