સ્માર્ટ મીટર ફરજિયાત નહિ કરવા અંગે સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરને લઈને લોકોમાં અનેક શંકા રહેલી છે તે પહેલા દૂર કરવામાં આવે અને પછી તેને ફરજિયાત કરવું જોઈએ. એટલું જ નહિ સ્માર્ટ મીટર ફરજિયાત કરવાથી અનેક લોકો સોલાર પેનલનો લાભ લઈ શકતા નથી. આથી મધ્યમવર્ગની આર્થિક સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવાવો જોઇએ તેમ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં આપના સભ્યોએ જણાવ્યું હતું.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે.હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો અને સોલાર પેનલનો લાભ લઇ રહેલા ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે. સ્માર્ટ મીટરને લઇને વીજબિલ વધુ આવતું હોવાની ફરિયાદ ઊઠી છે. તેમજ રાત્રિના વીજ વપરાશના ભાવ પણ વધુ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ ઊઠી છે. ઊંચી રકમના બિલ આવ્યા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે અને આ અંગેના કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે.જેને કારણે સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. જો મીટર લાગી જાય અને પ્રિપેઈડ સિસ્ટમ ફરજિયાત થઇ જાય તો રાત્રે રિચાર્જ ખાલી થઇ જાય તો રાત્રે જ વીજળી ગુલ થઈ જવાની પણ સમસ્યા રહેશે. આમ દરેક પાસાઓને ધ્યાનમાં લેવા માગ કરાઈ છે.