રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા પહેલી વખત 30 દેશોની બેઠક

17 મહિના કરતાં વધુ સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની પહેલ માટે પ્રથમવાર દુનિયાના 30 મોટા દેશો એકસાથે આવી રહ્યા છે. હેતુ યુક્રેન-રશિયા વચ્ચે સમાધાનનો છે. સાઉદી અરબની યજમાનીમાં આ મંત્રણા 5-6 ઓગસ્ટના રોજ જેદ્દાહ શહેરમાં યોજાશે. તેમાં ભારત, યુએસ, બ્રિટન, યુરોપિયન યુનિયનના દેશો ઉપરાંત જાપાન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, મેક્સિકો, ચિલી અને જામ્બિયા જેવા અનેક દેશો સામેલ થશે.

રશિયાને બેઠકથી દૂર રખાયું છે. રશિયાના બે નજીકના સહયોગી દેશો તૂર્કિયે અને ચીનની આ બેઠકમાં હાજરી પર હજુ શંકા છે. તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયાર એર્દોગન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને મનાવવાની જવાબદારી સાઉદી અરબને સોંપાઇ છે. US તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુઅલિન બેઠકમાં સામેલ થાય તેવી આશા છે.

યુક્રેન અને રશિયા બંને પોતાની જિદ પર મક્કમ
યુક્રેન અને પશ્ચિમી દેશોને આશા છે કે દુનિયાભરના દેશોને બોલાવવાથી શાંતિમંત્રણા માટે યુક્રેનને સમર્થન મળી શકશે. યુક્રેનના છઠ્ઠા હિસ્સા પર કબજા બાદ રશિયાનું કહેવું છે કે શાંતિ ત્યારે જ થઇ શકે જ્યારે કીવ આજની સ્થિતિને સ્વીકારી લે. બીજી તરફ, યુક્રેને 10 માંગ રાખી છે, જેમાં યુક્રેનની ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરવી, રશિયન સેનાને હટાવવાની, બંધકોને મુક્ત કરવા, હુમલાના આરોપી પર કેસ ચલાવવો અને યુક્રેનને સુરક્ષાની ખાતરી સામેલ છે. અગાઉ મેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ અરબ લીગ બેઠકમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *