‘બોર્ડર 2’ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. ‘બોર્ડર’ ફિલ્મની સિક્વલમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સહિતના કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા નજરે પડશે. ત્યારે ફિલ્મમાં એક્ટર્સના ફર્સ્ટ લૂક સામે આવ્યા છે. દિલજીત દોસાંઝે રમૂજી અંદાજમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ‘બોર્ડર 2’ના સેટ પર જઈ રહ્યો છે. તેમજ સની દેઓલે પણ એક ફોટો શેર કર્યો છે.
દિલજીતે શેર કરેલા વીડિયોમાં તે પહેલા હવામાન વિશે વાત કરતો અને પંજાબી સ્ટાઇલમાં અંગ્રેજીમાં વ્લોગિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ‘બોર્ડર 2’ના સેટ પર પહોંચે છે અને ફિલ્મના એક્ટર્સ, પ્રોડ્યૂસર સહિતના લોકોનો અલગ અંદાજમાં પરિચય કરાવે છે. વીડિયોમાં સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સહિતના લોકો નજરે પડે છે.
વીડિયોમાં દિલજીત સની, વરુણ, અહાન અને આખી ટીમ સાથે ફોટોશૂટ માટે પોઝ આપતો જોવા મળે છે. વીડિયોના અંતે, દિલજીત સૈનિકોને સલામ કરવા વિશે વાત કરે છે.
જ્યારે સની દેઓલે પણ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. ફોટોમાં સની દેઓલ માથા પર પંજાબી પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે, જ્યારે વરુણ ધવન પહેલી વખત મોટી મૂછો વાળા લૂકમાં જોવા મળી રહ્યો છે. સનીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે બધી ફોર્સ એકસાથે આવે, બોર્ડર 2. દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી, સની દેઓલ અને વરુણ ધવનની સાથે જોડાયા કારણકે બટાલિયનની પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ત્રીજા શેડ્યૂલની શરૂઆત કરી છે.’