પહેલગામ હુમલા બાદ પ્રથમ અમરનાથ યાત્રા

આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે. પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત આ યાત્રા યોજાઈ રહી છે. પરંતુ બાબા અમરનાથનાં ભક્તોમાં કોઈ પ્રકારનો ભય જોવા મળતો નથી. આજે પણ ખૂબ મોટી સંખ્યામાં યાત્રીઓ બાબા બર્ફાનીનાં દર્શને જવા રવાના થયા હતા. આ સમયે ‘હર હર મહાદેવ’નાં નાદથી રાજકોટ રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. યાત્રા કરવા જતાં મુસાફરોએ જણાવ્યું હતું કે, કોઈ પ્રકારનો ભય લાગતો નથી. મહાદેવ સૌની રક્ષા કરશે. આ વર્ષે 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકાશે. આમ કુલ 39 દિવસ અમરનાથ યાત્રા ચાલશે.

22 વર્ષથી અમરનાથ યાત્રા કરતા જયંતભાઈ ટાંકે જણાવ્યું હતું કે, દર વર્ષે અમરનાથ યાત્રા દ્વારા ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. મારી પણ આ 22મી યાત્રા છે. દર વર્ષે અમારો ત્યાં ભંડારો પણ ઓમ શિવશક્તિ-દિલ્હી તરફથી ચાલે છે. જેમાં દરરોજ 1000 લોકો માટે રહેવા-જમવા અને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. પહેલગામ તથા બાલતાલ રૂટથી આ યાત્રા કરવામાં આવે છે. ‘ભોળાનાથ, અમરનાથ, બર્ફાની બાબા ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’ આપે છે. અમરનાથ યાત્રા કરનારા ભક્તોને અદ્ભૂત અનુભવ થતો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રામાં VIP દર્શનની વ્યવસ્થા ચાલે છે. જેમાં યાત્રા શરૂ થયા પહેલા કેટલાક VIP લોકોને દર્શન કરાવવામાં આવે છે. જેને લઈ યાત્રા શરૂ થયા બાદ જનારા લોકોને મુશ્કેલી પડે છે. આ બરફનું શિવલિંગ હોવાથી વહેલા દર્શન કરવા આવનારા લોકોને કારણે શિવલિંગ ઓગળવા લાગે છે. જેને લઈને યાત્રાનાં અંતમાં જનારા લોકોને ઘણીવાર અમરનાથનાં દર્શન થતા નથી. ત્યારે સરકારે આ મામલે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા જોઈએ. પહેલગામમાં થયેલા હુમલાને લઈને ભક્તોના ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો નથી. બાબા અમરનાથ અને ભારતીય જવાનો પર પૂરો વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *