દેશભરમાં ચકચાર જગાવનાર ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુદ્દે સ્કૂલ સંચાલકો, વેપારીઓ સહિતના ઉપર રીતસરની ધોંસ બોલાવી છે ત્યારે રાજકોટના જિલ્લા નોંધણી ભવનમાં જ ફાયર સેફ્ટીના સાધનોની મુદત બે માસથી પૂરી થઇ ગઇ હોવા છતાં અધિકારીઓ તેના રિન્યૂ પ્રત્યે ઉદાસીનતા સેવી રહ્યાની હકીકત પ્રકાશમાં આવી છે.
રાજકોટ જિલ્લા નોંધણી ભવન ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1 અને 2 બેસે છે અને તેમાં દરરોજ સેંકડો અરજદારો, વકીલો મુલાકાતે આવે છે ત્યારે સતત લોકોની અવરજવરથી ધમધમતી કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનોની મુદત પૂરી થઇ ગઇ હોવા છતાં તેના પ્રત્યે કોઇએ ધ્યાન ન દીધાની વિગતો બહાર આવી છે. જિલ્લા નોંધણી ભવનની મુલાકાત દરમિયાન એવી હકીકત પ્રકાશમાં આવી હતી કે, ફાયર એક્સટિંગ્વિસર રિન્યૂ કરાવ્યાની તારીખ 20-07-2023 હતી અને તેની મુદત 19-07-2023ના રોજ પૂરી થતી હતી. આમ ફાયર સેફ્ટીના સાધનોની મુદત પૂરી થયાના બે માસ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી તેને રિન્યૂ કરવામાં ન આવતા લોકોની સલામતી જોખમાઇ તેવી સ્થિતિ ઊભી થઇ છે ત્યારે આ બાબતે સત્તાધીશો વહેલામાં વહેલી તકે જાગે અને ફાયર સેફ્ટીના સાધનો રિન્યૂ કરાવી લે તેવી માગણી પ્રબળ બની છે.