કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી ઘઈ. જેમાં 40 ભારતીયોના મોતના સમાચાર છે. જેમાંથી 5 કેરળના રહેવાસી હતા. આ દુર્ઘટનામાં 30 ભારતીયો સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી 40 ભારતીયોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વિદેશ મંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં 30 ભારતીયો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલો સાથે મુલાકાત કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, આ દુર્ઘટના કુવૈતના સમય મુજબ આજે સવારે લગભગ 6 વાગ્યે થઈ હતી.
સવારે ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાઈ ગયા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ આ ઈમારતમાં 160થી વધુ લોકો રહેતા હતા. ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસેફે જણાવ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેથી, મૃત્યુ પામેલા લોકો વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી.