ગોંડલ ગુંદાળા દરવાજા પાસે આવેલ વી.એચ. કાનજી પેટ્રોલ પંપમાં આવેલા ઓઈલ સ્ટોરેજ વિભાગમાં આજે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. પેટ્રોલ પંપના સ્ટોરેજ વિભાગમાં આગ લાગતાં પંપના માલિક નિખિલભાઈ સચદે દ્વારા મામલતદાર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા મામલતદાર વિભાગ દ્વારા તત્કાલિક ગોંડલ નગર પાલિકા ફાયર વિભાગ,બી ડિવિઝન પોલીસ સહિતને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં શહેર મામલતદાર દીપકભાઈ ભટ્ટ, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી, સીટી બી ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ, પી.એસ.આઈ વી.જે. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ સ્ટાફ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. પેટ્રોલ પંપમાં આવેલ ઓઇલ સ્ટોરેજ વિભાગમાં આગ લાગતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં અને વાહનચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.