શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર સીએનજી પંપે ગેસ પુરાવાના મુદ્દે બે કારના ચાલક વચ્ચે બોલાચાલી થયા બાદ બંનેેએ પોતાના પરિચિતોને બોલાવતા બંને જૂથ વચ્ચે જામી પડી હતી અને મારામારીમાં ચાર ઘવાયા હતા. જેમાંથી બેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જૂના માર્કેટિંગ યાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં રેવાભાઇ ધનાભાઇ બોસરિયા (ઉ.વ.40)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશન દૂધરેજિયા તથા ત્રણ અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. રેવાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પુત્ર રાહુલ તેની કાર લઇને કુવાડવામાં ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલની બાજુમાં સીએનજી પંપે કારમાં ગેસ પુરાવા ગયો હતો. પંપે કિશન સાથે બોલાચાલી થયાનો ફોન કરતાં રેવાભાઇ તથા અન્ય બે શખ્સ ત્યાં દોડી ગયા હતા. રેવાભાઇએ ઝઘડો નહીં કરવાનું કહેતા કિશન અને તેની સાથેના ત્રણ મળતિયાએ ગાળો ભાંડી રાહુલ અને તેના પિતા રેવાભાઇને ધોકા-પાઇપના ઘા ઝીંક્યા હતા. ઘવાયેલા રેવાભાઇને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાપક્ષે બેટી ગામના અને ડ્રાઇવિંગ કરતાં જયદીપ જગદીશભાઇ મકવાણા (ઉ.વ.20)ને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયદીપે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો મિત્ર કિશન દૂધરેજિયા પોતાના વાહનમાં ગેસ પુરાવા ગયો હતો ત્યારે એક સ્વિફ્ટ કાર આડેથી આવી હતી અને તે મુદ્દે કારચાલક રાહુલે ઝઘડો કરી તેના પિતા સહિતનાઓને બોલાવ્યા હતા. માથાકૂટની જાણ થતાં જયદીપ મકવાણા ત્યાં પહોંચતા હુમલાખોરો કિશન અને જયદીપ પર ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.