રાજકોટ-ભાવનગર હાઇ-વે પર સરધાર ગામ સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીક સ્વામી તેમના સેવકો અને બૌદ્ધ વિહારના સંચાલકો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાઈરલ થતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં બીપીન મકવાણા અને નરેશ મકવાણા નામના શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઇકાલે (19 ફેબ્રુઆરી) સાંજના સમયે આરોપીઓ દ્વારા મહિપત આહિરના JCBની બારીના કાચ તોડી રૂપિયા 60,000નું નુકસાન કરવામાં આવ્યું હતું. બાદમાં લોખંડના પાઇપ વડે પગ તેમજ કમરના ભાગે બેથી ત્રણ જેટલા ઘા માર્યા હતાં. હાલ બીપીન મકવાણા અને તેના ભત્રીજા નરેશ મકવાણા વિરુદ્ધ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
હું જમીનની સાફ-સફાઈ કરતો હતો ને બંને આવ્યા હતા ફરિયાદી મહિપત બલદાણીયા (ઉં.વ.26)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સરધાર ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં સેવક તરીકે કામ કરું છું. ગઇકાલે સાંજના 6.30 વાગ્યા આસપાસ હું તથા JCB ડ્રાઇવર સુરેશભાઈ સરધાર ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટની ખુલ્લી જગ્યાએ આવ્યા હતાં. JCB ડ્રાઇવર સુરેશભાઈ JCB ચલાવી જમીનની સાફ સફાઈ કરતા હતાં ત્યારે સરધાર ગામમાં રહેતો બીપીન મકવાણા અને તેનો ભત્રીજો નરેશ મકવાણા ત્યાં આવ્યા હતા.
મારી સાથે ગાળાગાળી કરીને માર માર્યો બીપીનના હાથમાં લોખંડનો પાઈપ હતો, જેનાથી JCB નંબર જીજે.03.એચઇ.2316માં લોખંડના પાઈપથી ઘા મારી JCBના બંને સાઈડના બારીના કાચ ફોડી નાખવામાં આવ્યાં હતાં. બાદમાં મારી પાસે આવી મને પણ કાંઈ કહ્યા વગર લોખંડના પાઈપથી પગે તથા કમરના ભાગે બે-ત્રણ ઘા મારી લીધા હતાં. ત્યાં તેનો ભત્રીજો નરેશ મકવાણા મને શરીરે ઢીંકાપાટુનો માર માર્યો હતો. ત્યાં મારા મિત્ર પ્રિતેશ રામાણી અને શનિ રાબડીયા આવી ગયા હતા અને આ પ્રિતેશએ બીપીનના હાથમાંથી લોખંડનો પાઈપ લઇ લેતા આ બીપીન ફરી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેનો ભત્રીજો નરેશ મને જેમ ફાવે તેમ ગાળો દઇ શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો.