રાજ્ય સરકારના ઊર્જા વિભાગના નેજા હેઠળ આવતા જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (વિદ્યુત સહાયક)ની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારોને હજુ નિમણૂક પત્ર નહીં આપવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને પાસ થયેલા ઉમેદવારો દ્વારા કોંગ્રેસની આગેવાનીમાં આવેદન પાઠવી જેટકોનાં એડિશનલ ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પાસ થયેલ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા માગ કરવામાં આવી હતી.
જેટકોમાં ખાલી પડેલી જગ્યા માટે ભરતી
કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આ ભરતી માટેની પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ પોલ ટેસ્ટ બાદમાં લેખિત પરીક્ષા એમ બે કસોટીઓ બાદ મેરીટ લિસ્ટના આધાર પર ભરતી થતી હોય છે. જેટકોના રાજ્યના અલગ-અલગ ત્રણ વર્તુળો રાજકોટ, ભરૂચ, મહેસાણા વિભાગમાં આ ભરતી બહાર પાડ્યા બાદ સૌપ્રથમ પોલ ટેસ્ટ માર્ચ-2023થી તબક્કાવાર શરૂ થયા હતા. બાદમાં 5 મહિનાના સમયગાળા બાદ 09-09-2023ના રોજ લેખિત પરીક્ષા લેવાયેલ હતી. GETCOમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની બંને પરીક્ષાઓ આપ્યા બાદ બહાર પડેલા મેરીટ લિસ્ટમાંથી તમામ વર્તુળોમાં ખાલી પડેલી જગ્યા માટે ભરતી કરવાનું જાહેર કરાયુ હતું.