આગ્રામાં બુધવારે પાતાલકોટ એક્સપ્રેસના બે જનરલ કોચ સંપૂર્ણપણે બળી ગયા. રેલવેએ કહ્યું છે કે બે લોકો દાઝી ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. રેલવે વિભાગના ભાંડઈ રેલવે સ્ટેશન પાસે સાંજે 4.45 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. તે સમયે ટ્રેનની સ્પીડ 70થી 80 કિમીની વચ્ચે હતી.
રેલવે અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. બંને કોચ ટ્રેનથી અલગ થઈ ગયા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
દરમિયાન, રેલવેના PRO પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે સૌથી પહેલા ગાર્ડે ધુમાડો નીકળતા જોયો હતો. આ પછી તેણે ડ્રાઈવરને આ અંગે જાણ કરી. આ દરમિયાન આગ એક કોચમાંથી બીજીા કોચમાં ફેલાઈ ગઈ. જેમાં બે મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.