ન્યારા 220 કે.વી.માં ફોલ્ટ, 50 હજાર ઘર અને દુકાનમાં અંધારા

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા 220 કે.વી.ના જેટકો સબ સ્ટેશનમાં બુધવારે બપોરે મોટો ફોલ્ટ સર્જાતા રાજકોટના આશરે 50 હજારથી વધુ રહેણાક, કોમર્સિયલ, હોસ્પિટલ, ઔદ્યોગિક વીજગ્રાહકોના વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. 220 કે.વી. સબ સ્ટેશનમાંથી રાજકોટના 4થી5 66 કે.વી.ના સબ સ્ટેશનને પાવર આપવામાં આવે છે. મોટા સબ સ્ટેશનમાં ફોલ્ટ સર્જાતા અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી જોકે 10થી 15 મિનિટમાં જ પાવર સ્વિચઓવર કરી દેવામાં આવતા વીજપુરવઠો પૂર્વવત થયો હતો અને લોકોમાં હાશકારો થયો હતો.

બુધવારે બપોરે 12.30 વાગ્યા આસપાસ જામનગર રોડ પર આવેલા ન્યારા 220 કે.વી. સબ સ્તેશનમાં લાઈન ટ્રીપિંગ થતા તેમાંથી જ્યાં વીજપુરવઠો સપ્લાય થાય છે એવા રાજકોટના 66 કે.વી.ના ચારથી પાંચ સબ સ્ટેશનમાં પણ પાવર ઠપ થઇ ગયો હતો. મોટી લાઈન ઠપ થઇ જતા જેટકો અને પીજીવીસીએલના સ્થાનિક અધિકારીઓમાં થોડો સમય માટે દોડધામ મચી હતી. ન્યારા 220 કે.વી. સબ સ્ટેશનમાંથી રાજકોટના રૈયા, પોપટપરા, યુનિ., વાજડી, રૈયાધાર, મોટામવા સહિતના વીજ સબ સ્ટેશનમાં પાવર ઠપ થઇ ગયો હતો. તેમજ આ વિસ્તારમાં આવતા રહેણાક, ઔદ્યોગિક, કોમર્સિયલ કનેક્શન અને કેટલીક હોસ્પિટલમાં પણ પાવર બંધ થઇ જતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *