રૈયાગામ મુક્તિધામની સામે યુવક પર તેના કૌટુંબિક બનેવીએ લોખંડની કોશથી હુમલો કર્યો હતો. રૈયારોડ સ્વાતિપાર્કમાં રહેતા અને પાણીનો પ્લાન્ટ ચલાવતા પિયુષ હસમુખભાઇ રાણા (ઉ.વ.30)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબિક બનેવી રૈયાગામ મુક્તિધામ સામે રહેતા પાર્થ રણજીત પરમારનું નામ આપ્યું હતું. પિયુષ રાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલા માતાજીના ઝવેરા પધરાવવા આજીડેમે જતાં હતા ત્યારે હોસ્પિટલ ચોકમા પાર્થ પરમાર સાથે બોલાચાલી થઇ હતી, પરંતુ વડીલોની મધ્યસ્થીથી સમાધાન થઇ ગયું હતું.
બે દિવસથી પાર્થ ફોન કરીને પિયુષને ધમકાવતો હતો, શનિવારે પાર્થ પરમાર પોતાની સ્કોર્પિયો પુરપાટ ઝડપે ચલાવીને નીકળ્યો હતો, પિયુષે તેને ધીમે ચલાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા પાર્થે લોખંડની કોશનો ઘા પિયુષને મારી દીધો હતો, હુમલામાં ઘવાયેલા પિયુષને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પોલીસે ગુનો નોંધી પાર્થ પરમારની શોધખોળ શરૂ કરી હતી.