રાજકોટમાં કારખાનેદાર ધર્મેન્દ્ર રૈયાણીનું શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકના મોટા ભાઈએ કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી તે સમયે કારમાંથી ઉતરતી વખતે ધર્મેન્દ્રભાઈ પડી ગયા હતા. જોકે ઇજા વધુ પહોંચી હોવાથી પોલીસને અજુગતું લાગતા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્રભાઈ છગનભાઈ રૈયાણી (ઉં.વ.38)ને ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા તેઓ લોહી લુહાણ હોવાથી તબીબે તુરંત પોલીસને જાણ કરી હતી. દરમિયાન ટૂંકી સારવારમાં જ ધર્મેન્દ્રભાઈએ દમ તોડી દીધો હતો. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે, રાત્રે 9.30 વાગ્યે ધર્મેન્દ્રભાઈ પોતે જ્યાં રહે છે તે સંસ્કાર સિટી બિલ્ડીંગના પાર્કિંગમાં પડી જતા ઇજા થઇ હતી. પરિવારે કહ્યું કે, ધર્મેન્દ્રભાઈ બે ભાઈમાં નાના હતા. મોટા ભાઈ પ્રશાંતભાઈ સાથે કારમાં આવ્યા હતા. પ્રશાંતભાઈ કાર ચલાવતા હતા અને તેમણે જ પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. ત્યાંથી કારમાં ઉતરતી વખતે ધર્મેન્દ્રભાઈ પડી જતા ઇજા થઇ હતી. જોકે ઇજાઓ ગંભીર હોવાથી ઘટના ક્રમ અંગે પોલીસને શંકા હોય જેથી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્રભાઈને કારખાનું છે. તેઓ રાજકોટથી અન્ય શહેરોમાં ટ્રેડિંગ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે. દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.