એમ.એસ.એમ.ઈ. એકમ ધરાવતા અને નિકાસ કરતા નિકાસકારોને નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર આઈ.ઈ. એસ. યોજના જાહેર કરવામાં આવી છે, પરંતુ ડિસેમ્બર માસમાં તેની સમયમર્યાદા પૂરી થયા બાદ તે ફરીથી શરૂ કરવામાં આવી નથી. જેને કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી સોયથી લઇને સોનાની નિકાસ થાય છે, પરંતુ તેઓને યોજનાનો લાભ નહિ મળતા તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચેમ્બરને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને નિકાસકરોને પ્રોત્સાહન આપતી યોજના શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોહિલને રજૂઆત કરી છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોહિલને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આઇ.ઇ.એસ. યોજના અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે. આ સ્કીમ 31 ડિસેમ્બરના રોજ પૂરી થઇ ગઈ છે. ત્યારબાદ આ સ્કીમની સમયમર્યાદા વધારવામાં આવી નથી.જેને કારણે નિકાસકારોને મુશ્કેલી પડી રહી છે.તેમજ નિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે.ત્યારે નિકાસ વધે અને નિકાસકારોને પ્રોત્સાહન મળે તે માટે આ યોજના ફરીથી શરૂ કરવામાં આવે તેવી માગણી ઊઠી છે. તેમજ યોજના અંતર્ગત મળવાપાત્ર વ્યાજ સહાયની વર્તમાન મર્યાદા જે 3 ટકા છે તે વધારીને 5 ટકા કરવી જોઈએ. તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ જણાવ્યું છે.