રાજકોટમાં ગત સપ્તાહે ચાર સ્ટેમ્પ વેન્ડર રૂ.50ના સ્ટેમ્પ પેપરની રૂ.60-70 સુધી વસૂલાત કરતાં હોવાનું સામે આવ્યું હતું. ચાર સ્ટેમ્પ વેન્ડરને નોટિસ આપી તેઓના સોમવારે નિવેદન લેવામાં આવ્યા હતા. નિયમ મુજબ સ્ટેમ્પ વેન્ડરો નક્કી કરેલી રકમથી વધુ વસૂલાત ન કરી શકે, પરંતુ ચાર સ્ટેમ્પ વેન્ડર વધુ રકમ વસૂલ કરતાં હોય તેઓના લાઇસન્સ રદ કરવાની દરખાસ્ત ગાંધીનગર મોકલવામાં આવી છે. ત્યાં સપ્તાહના અંત સુધીમાં લાઇસન્સ રદ કરવા માટેનો નિર્ણય આવી જાશે. તેમ સ્ટેમ્પ ડ્યૂટીના નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળાએ જણાવ્યું હતું.
રાજકોટમાં સ્વામિનારાયણ ચોક ખાતે સ્ટેમ્પ વેન્ડર મનીષભાઈ વ્યાસ, કેનાલ રોડ પર ધીમંત અનડકટ, ગોંડલ રોડ પર શ્રીમદ્ ભવન ખાતે ધીરૂભાઈ પરમાર અને મોચી બજારમાં ચેતનકુમાર સોઢા અરજદારો પાસેથી સ્ટેમ્પ પેપરના રૂ.50ના બદલે રૂ.60 અને 70 વસૂલતા હતા. કેનાલ રોડ પર સ્થિત ધીમંત અનડકટ પાસેથી રૂ.60 ચૂકવીને રૂ.50નો સ્ટેમ્પ પેપર ખરીદ કર્યો હતો. ગત સપ્તાહે આ ચારે ચાર સ્ટેમ્પ વેન્ડરને નોટિસ આપવામાં આવી હતી અને જેમાં 26 મેના સોમવારના રોજ ખુલાસો પણ પૂછાયો હતો.જેમાં તેઓ કેટલા સમયથી વધારાની રકમ વસૂલતા હતા, કેટલા અરજદારો પાસેથી અત્યાર સુધી વધારાની રકમ વસૂલ કરી છે તેનો જવાબ માગ્યો છે. સ્ટેમ્પ વેન્ડરોને ઈ-સ્ટેમ્પિંગ દીઠ 0.15 ટકા કમિશન ઉપરાંત પ્રતિ ઈ-સ્ટેમ્પ દીઠ રૂ.10 લેખેે કમિશન મળે છે. નાયબ કલેક્ટરના જણાવ્યાનુસાર નિયત રકમ કરતાં વધુ રકમની વસૂલાત કરવી એ ગેરકાયદેસર છે અને જે કોઇ આ રીતે વધુ રકમ વસૂલ કરતાં હોય તેઓના લાઇસન્સ રદ પણ થાય છે. રાજકોટ શહેર- જિલ્લામાં 15 સ્ટેમ્પ વેન્ડર છે. તેઓને ત્યાં પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે.