શહેરમાં રહેતી 32 વર્ષીય યુવતીનો તેના પૂર્વ પતિએ ફોટો સોશિયલ મીડિયામાં મૂકી તેમાં બીભત્સ લખાણ લખી તેને ફરતું કર્યું હતું. પોલીસે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરમાં રહેતી 32 વર્ષની યુવતીનો ફોટો અને ઇન્સ્ટાગ્રામમાં ફરતો થતાં યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતાં આવું કૃત્ય અન્ય કોઇએ નહીં, પરંતુ યુવતીના પૂર્વ પતિએ જ કર્યાનું ખુલ્યું હતું. જેથી યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પૂર્વ પતિએ તેના સોશિયલ મીડિયામાંથી ફોટા ઉઠાવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામનું ફેક આઇડી બનાવી તેના પર યુવતીનો ફોટો મુક્યો હતો તેના પર બીભત્સ લખાણ લખ્યું હતું, એટલું જ નહીં ફોટાવાળી યુવતીનો સંપર્ક કરવા યુવતીના ભાઇ અને બહેનના મોબાઇલ નંબર લખ્યા હતા. છૂટાછેડા થયાનો ખાર રાખી પૂર્વ પતિએ આવું કૃત્ય કર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ આ કૃત્ય આચરવામાં આન્ય કોઇની મદદગારી લીધી હતી કે કેમ તે બાબતે આરોપી હાથ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.