શહેરમાં રેસકોર્સ રિંગ રોડ પર ટી પોસ્ટમાં કામ કરતી યુવતીએ ચાર દિવસ પહેલાં ઝેરી દવા પી જતા તેને સારવારમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. ટી પોસ્ટમાં ચા પીવા અને નાસ્તો કરવા આવતા અમદાવાદના શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બારોબાર કોર્ટમાં મેરેજ કરી લીધા બાદ તરછોડી દેતા આઘાતમાં મારી પુત્રીએ આપઘાત કરી લીધાનો યુવતીની માતાઅે આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આલાપ ગ્રીનસિટી પાસે આરએમસીના ક્વાર્ટરમાં રહેતી એકતા રાજેશભાઇ ઝાલા (ઉ.21)એ ચાર દિવસ પહેલાં રેસકોર્સ રિંગ રોડ પર ટી પોસ્ટમાં નોકરી પર હતી ત્યારે ઝેરી દવા પી જતા અન્ય કર્મચારીએ જાણ કરતા સંચાલક સહિતે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજતા એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બાંભણિયા સહિતે તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઉદય પરમારે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પરિવારની જાણ બહાર કોર્ટમાં લગ્ન પણ કરી લીધા હતા અને ત્યાર બાદ કેટલાક સમયથી ઉદય લગ્નના કાગળો પણ લઇ ગયો હતો અને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ તેમજ ફોન નંબર પણ બ્લેકલિસ્ટમાં મૂકી તરછોડી દેતા તેની પુત્રીએ આ પગલું ભરી લીધાનો માતાએ આક્ષેપ કર્યો હતો.