રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 3 હેઠળ ખોખડદળ, વાવડી, મવડી રોડ અને નાનામવા સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 30 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે પ્રથમ દિવસે 562 કનેક્શન ચેક કરી 74 કનેક્શનમાંથી 21.63 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકિંગ ડ્રાઇવ ઓક્ટોબર મહિનામાં પણ ચાલુ રાખી ગઈકાલે સોમવારથી રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી સતત બીજા દિવસે વહેલી સવારથી સીટી ડિવિઝન 3 હેઠળ આવતા લાપાસરી ગામ, ખોડલધામ સોસાયટી, પ્રમુખ સોસાયટી, નુરાની પાર્ક, નાગબાઇ પરા સહીતના 15 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વિડીયો ગ્રાફર, 7 SRP, 9 નિવૃત્ત આર્મીમેન અને 14 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.