પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તા.18થી 22 નવેમ્બર દરમિયાન વીજચેકિંગ કરાયું હતું. જેમાં કુલ 1742 વીજજોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.5.74 કરોડના વીજચોરીના બિલ ફટકાર્યા છે. ગેરરીતિમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ, લોડ વધારો કર્યો હોવાના કેસ કર્યા છે. રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 426 વીજજોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.1.63 કરોડના, ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજજોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.0.84 કરોડના અને બોટાદ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 310 વીજજોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ. 0.89 કરોડના વીજચોરીના બિલ ફટકાર્યા છે.
વધુમાં, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયા વાણિજ્ય હેતુના ઈમિટેશન ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા હોવાનું માલૂમ પડતા રૂ. 35 લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરા વાણિજ્ય હેતુના હોટેલ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલૂમ પડતા રૂ.6 લાખના વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા છે. મોરબીના રાણેકપર ગામમાં ગોવિંદભાઈ મૈયાભાઈને રૂ. 6.5 લાખના વીજચોરીના બિલ આપ્યા છે.