સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ચોમાસામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ક્યાંક મુશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેવામાં વીજપોલને ખાસ્સુ નુકસાન પહોંચ્યું છે. વરસાદને કારણે પોરબંદર, જામનગર અને ભુજના 26 જેટલા ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLના 959 વિજ પોલ ધરાશાયી થઈ ગયા હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે 68 TC ડેમેજ થઈ ગયા છે. વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિજ પુરવઠો બંધ થઈ જતા લોકોના અનેક કામો અટકી પડ્યા હતા.
PGVCLના જણાવ્યા પ્રમાણે, પોરબંદરમાં વીજળીના 9 ફીડર બંધ છે. 6 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જ્યારે 287 વીજ પોલને નુકશાન પહોંચતા રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ત્યાં 20 TC ડેમેજ થઈ ગયા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં વરસાદને કારણે 30 વીજ પોલને નુકશાન પહોચ્યું હતું. જ્યારે જૂનાગઢમાં વરસાદને લીધે 167 વિજ પોલ ડેમેજ થઈ ગયા હતા તો 17 TCને નુકશાન થયું હતું. જ્યારે જામનગરમાં વરસાદને લીધે 78 ફીડર બંધ થઈ ગયા હતા તો 2 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 428 વીજ પોલ અને 30 TC ડેમેજ થઈ ગયા હતા.