રાજકોટમાં 64 ગ્રામ પંચાયતની ચૂંટણી

રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. જિલ્લામાં 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 243 પંચાયતોની પેટા ચૂંટણી માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ અંગે રાજય ચૂંટણી આયોગ દ્વારા આજે બપોરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ આયોજીત કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું નોટીફીકેશન પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી સ્ટાફને તાલુકા મથકો પર જરૂરી તાલીમ આપવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અગાઉ ગ્રામ પંચાયતોની પ્રોવિઝનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે બાદ હવે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી થશે.

રાજકોટ તાલુકામાં 5, કોટડા સાંગાણી, લોધીકામાં 1, પડધરીમાં 3, ગોંડલ તાલુકામાં 6, જેતપુર તાલુકામાં 4, ધોરાજીમાં 2, ઉપલેટામાં 4, જામકંડોરણા તાલુકામાં 7, જસદણ તાલુકામાં 15 અને વિંછીયા તાલુકામાં 16 સહિત જિલ્લામાં કુલ 65 પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત પેટા ચૂંટણીમાં રાજકોટ તાલુકામાં 46, કોટડા સાંગાણીમાં 17, લોધીકામાં 13, પડધરીમાં 28, ગોંડલમાં 34, જેતપુરમાં 24, ધોરાજીમાં 11, ઉપલેટામાં 17, જામકંડોણામાં 25, જસદણમાં 15, અને વિંછીયામાં 12 ગ્રામ પંચાયતો મળી કુલ 243 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લામાં પંચાયતોની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *