રાજકોટમાં 5 નગરપાલિકા, 4 તાલુકા પંચાયતની કાલે ચૂંટણી

રાજકોટ જિલ્લામાં આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. 16મીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ 5 નગરપાલિકાના 42 વોર્ડમાં 161 બેઠક માટે 317 મતદાન મથકો પરથી પેટા ચૂંટણી થવાની છે. જ્યાં 2,71,225 મતદારો છે. જ્યારે ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કુલ 4 તાલુકા પંચાયતની 6 બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે. જેમાં 33 મતદાન મથકો નક્કી કરાયા છે. જેમાં 34,320 મતદારો છે. જ્યારે 5 નગરપાલિકાના 205 તો 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 20 સંવેદનશીલ મતદાન મથકો છે. એટલે કે, બંને થઈને 225 સંવેદનશીલ મતદાન મથકો ઉપર ખાસ તકેદારી રાખવામાં આવશે.

ત્યારે આજે EVM મશીનો સ્ટ્રોંગ રૂમમાં જ્યાં સીલ કરવામાં આવેલા હતા, ત્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી. આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા 4,110 કર્મચારીઓ EVM મશીન સાથે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા મતદાતાઓને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ન લઈ જવા માટેની અપીલ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેટા ચૂંટણી માટેનું મતદાન તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે મતદાન ગણતરી 18 મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *