જસદણ માર્કેટ યાર્ડના બીજા તબક્કાના પ્રમુખ માટેની ચુંટણી જાહેર થતાં સહકારી સભ્યોમાં મિટીંગના દૌર શરૂ થઈ ગયા છે. જસદણ યાર્ડના વર્તમાન પ્રમુખ અરવિંદભાઈ તાગડીયાની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થતાં યાર્ડના નિયમો મુજબ આવનારા અઢી વર્ષ માટે નવા પ્રમુખ નીમવાના હોય તે અનુસંધાને આજે ચૂંટણી જાહેર કરાઇ છે. ચુંટણી સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબર પર મોખરાનું સ્થાન ધરાવતાં જસદણ યાર્ડમાં હાલ 10 ખેડુત સભ્ય, 4 વેપારી સભ્યનું સંખ્યાબળ ધરાવે છે. જોગવાઈ મુજબ યાર્ડમાં ખેડુતમાંથી જે 10 સભ્યો ચૂંટાઈ આવ્યાં છે. તે પૈકી એક સભ્ય જ પ્રમુખ બની શકે. અન્ય સભ્યો પ્રમુખ બની શકે નહી.
પ્રમુખની ચુંટણીમાં ખેડૂત પ્રતિનિધિ 10, વેપારી પ્રતિનિધિ 4 અને 2 સરકારી પ્રતિનિધિ અને 1 પાલિકામાંથી ચુંટાયેલા સભ્યએ મતદાન કરવાનું હોય છે. એટલે કુલ મળીને 17 સભ્યો મતદાન કરશે. આગામી તા.30 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે યોજાનારી ચુંટણીમાં અધિકારી તરીકે અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના રહેશે. કરોડો રૂપિયાની જમીન ઈમારતો અને સ્વભંડોળ ધરાવતા જસદણ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થતાં મિટિંગના દૌર શરૂ થઈ ગયાં છે અને રાજકારણીઓની મીટ તેમની તરફ રહી છે.