રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી પ્રક્રિયા તા. 18-10-2024ને શુક્રવારથી થવા જઇ રહી છે. એટલે કે, 18મી ઓક્ટોબરના પ્રથમ મતદારયાદી બહાર પડશે, જેનું જાહેરનામુ તા. 4-10-2024ના રોજ પ્રસિદ્ધ થયું છે. તાજેતરમાં થયેલા નવા કાયદા મુજબ હવેથી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરિટી (ન્યુ દિલ્હી) દ્વારા કરાવવામાં આવશે. આ નવા નિયમ મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની ચૂંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરિટી (ન્યુ દિલ્હી) દ્વારા થશે.
જે અંતર્ગત કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરિટી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને રિર્ટનિંગ ઓફિસર તરીકે નિયૂક્ત કરી છે. આ દરમિયાન કેટલાક શેર હોલ્ડરો પૈકી મહેન્દ્ર શેઠ, શુભમ દોશી, અભય ઠક્કર સહિત અન્ય ત્રણ દ્વારા આ ચૂંટણી પ્રક્રિયામાં અડચણો ઉભી કરવા માટે વર્ષોથી કાયદાનુસાર થતી ચૂંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે તે અરજી ફગાવી દેતા હવે ડેલિગેટસ પદ્ધતિથી જ ચૂંટણી થશે. નાગરિક બેંકના 21 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં મતદાન કરવા માટે 3.27 લાખ મતદારોને મતાધિકાર આપવા બાબતે બેંક સામે હાઇકોર્ટમાં અરજી થઈ હતી, પરંતુ તે અરજી રદ થઈ જતા હવે 337 ડેલિગેટ જ ઇલેક્શનમાં લડવા માટે ફોર્મ ભરી શકશે.