કાલાવડ રોડ પર આદિત્ય હાઉસિંગમાં રહેતા પ્રૌઢાની છઠ્ઠા માળેથી મોતની છલાંગ

શહેરના કાલાવડ રોડ પરની આદિત્ય હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રૌઢાએ પોતાના ફ્લેટના છઠ્ઠા માળેથી છલાંગ મારી જીવનનો અંત આણી લીધો હતો. પ્રૌઢાના મોટા પુત્રએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય પુત્રવધૂના પરિવારે બે દિવસથી નાના પુત્રનું અપહરણ કરી તેને તથા પ્રૌઢા અને તેના પરિવારના લોકોને ધમકાવવાનું શરૂ કરતાં ગભરાયેલા પ્રૌઢાએ પગલું ભરી લીધું હતું. પોલીસે યુવતીના પિતા સહિત આઠ સામે ગુનો નોંધ્યો હતો.

ઇસ્કોન મંદિર પાછળ આવેલી આદિત્ય હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઉષાબેન કિશોરભાઇ જાની (ઉ.વ.52)એ ગત તા.13ની સાંજે પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદકો મારતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમનું તા.14ના મૃત્યુ થયું હતું. ઉષાબેન જાનીએ તેમની પુત્રવધૂ પાયલના પિયરિયાંઓના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બનાવ અંગે ઉષાબેનના નાના પુત્ર ગૌતમ જાની (ઉ.વ.20)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે પાયલના પિતા જલા સભાડ, તેમજ ગોપાલ સભાડ, વિજય સભાડ, નિષ જલા સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાડના નામ આપ્યા હતા. ગૌતમ જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોટાભાઇ મિલને ગોપાલ ચોક પાસેની ભીડભંજન સોસાયટીમાં રહેતી પાયલ જલા સભાડ સાથે તા.6 ડિસેમ્બર 2022ના પ્રેમલગ્ન કોર્ટમાં કર્યા હતા. લગ્ન બાદ બંને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને તા.11 જાન્યુઆરી 2025ના મિલન પોતાની પત્ની પાયલને તેના ઘરેથી ભગાડીને બંને કોઇ સ્થળે જતા રહ્યા હતા. પાયલને તેનો પ્રેમી અને પતિ મિલન ભગાડી ગયાનું સ્પષ્ટ થતાં સભાડ પરિવાર ઉશ્કેરાયો હતો. યુવતીના પિતા જલા સભાડે તા.11ની રાત્રીના ગૌતમને ફોન કરી મિલન ક્યાં છે તેવું પૂછી તેને કટારીયા ચોકડીએ બોલાવ્યો હતો. ગૌતમ ત્યાં પહોંચતા જ જલા સભાડ સહિતના આરોપીઅો ત્યાં હતા અને ગૌતમને બળજબરીથી ઇકો કારમાં બેસાડી તેના જ ઘરે લઇ ગયા હતા જ્યાં આરોપીઓએ ગૌતમ અને તેની માતાને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં અમારી દીકરી નહીં મળે તો બધાને પતાવી દઇશું તેવી ધમકી આપી ગૌતમને ફરીથી કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા અને આખીરાત તેને મારકૂટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *