રાજકોટ મધ્યસ્થ જેલમાં EDના ધામા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત મહાનગરપાલિકાના આઠ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવ્યા હતા. દરમિયાન સાગઠીયા પાસે અપ્રમાણસર મિલ્કત મળી આવતા એસીબીમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એસીબીની તપાસ પૂર્ણ થતાની સાથે જ સાગઠીયા સામે હવે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી (એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની એન્ટ્રી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગઈકાલથી રાજકોટ આવેલી ઇડીની ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મનસુખ સાગઠીયાની પુછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો સામે આવતા એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે આખા મામલાની તપાસમાં ઇડીએ ઝુકાવતા ફક્ત સાગઠીયા નહિ પણ કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને પણ પરસેવો વળી ગયો છે અને અનેકની ઉંઘ હરામ થઇ ગઈ છે.

રાજકોટના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોન ખાતે 25 મે 2024 ના રોજ થયેલ અગ્નિકાંડ દુર્ઘટનામાં બાળકો, મહિલાઓ સહીત કુલ 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા. જીવતા ભડથું થયેલા લોકોની મરણચીસોથી રાજકોટ જ નહિ પરંતુ આખું રાજ્ય ધ્રુજી ઉઠ્યું હતું અને ગુજરાત આખું હિબકે ચડ્યું હતું. મામલામાં હાઇકોર્ટે તાત્કાલિક સૂઓમોટો લીધો હતો જયારે બીજી બાજુ રાજ્ય સરકારે સિનિયર આઇપીએસ સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરી હતી. મામલામાં એસઆઈટીએ તપાસ કરતા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા સહીત મહાનગરપાલિકાના આઠ કર્મચારીઓને આરોપી બનાવી ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *