વરસાદી માહોલને કારણે કપાસનીઆવક 400 ક્વિન્ટલ સુધી ઘટી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળે છે. વરસાદમાં યાર્ડ સુધી લવાતા જણસી પલળે નહીં તેને કારણે બેડી યાર્ડમાં કપાસ, મગફળી સહિતની જણસીની આવક ઓછી જોવા મળી રહી છે. સોમવારે ઉઘડતી બજારે ગત સપ્તાહની સરખામણીએ યાર્ડમાં કપાસની આવક 400 ક્વિન્ટલ ઘટી હતી. જ્યારે નવી મગફળીની આવક હાલમાં બંધ રાખવામાં આવી છે.

પડતર મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે. કપાસ કરતા હાલમાં મગફળીના ભાવ ઉંચા બોલાઈ રહ્યા છે. મગફળીનો ભાવ રૂ.1300એ પહોંચવામાં માત્ર રૂ.30નું જ છેટું રહ્યું છે.જ્યારે કપાસનો ભાવ રૂ.1680 થયો છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં શિયાળુ શાકભાજીની આવક શરૂ થઇ ગઈ છે. દિવાળી પછી શાકભાજીની આવક વધશે તો ભાવમાં ઘટાડો જોવા મળશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવારે કપાસની આવક 4000 ક્વિન્ટલ હતી. જ્યારે શનિવારે સપ્તાહના અંતમાં આ આવક 3600 ક્વિન્ટલની હતી. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ આવક કપાસની નોંધાઈ રહી છે. બુધવાર બાદ કપાસ અને મગફળીની આવકમાં વધારો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ સોમવારે ઊઘડતી બજારે રૂ.10નો ઘટાડો આવતા સિંગતેલનો ડબ્બો રૂ.2560નો થયો હતો. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલમાં રૂ.5નો ઘટાડો થતા ડબ્બાનો ભાવ રૂ.2160નો થયો છે. સિંગતેલ લૂઝ અને કપાસિયા વોશમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *