વરસાદ સારો થતાં આ વર્ષે ચણાનું વાવેતર બમણું થયું, ઘઉંનું પણ વધ્યું

મેઘરાજાએ ઓણસાલ રાજકોટ જિલ્લા પર સારી મહેર વરસાવતા ગત વર્ષની સરખામણીએ શિયાળુ પાકનું વાવેતર વધ્યું છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે 2,49,098 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષમાં 2,86,796 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે અને આ આંકડો હજુ પણ વધશે તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે રાજકોટ જિલ્લામાં ઘઉં અને ચણાનું વાવેતર વધ્યું છે જ્યારે જીરૂ, લસણ, અને શાકભાજીનું વાવેતર ઘટ્યું છે.

ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 59,743 હેકટરમાં ચણાનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 1,02,832 હેકટરમાં ચણાનું વાવેતર થઇ ચૂક્યું છે અને હજુ આ આંકડો વધશે. તેવી જ રીતે ગત વર્ષે ઘઉંનું 85,784 હેકટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષમાં 99,438 હેકટરમાં ઘઉંનું વાવેતર થઇ ચૂકયું છે. જ્યારે ગત વર્ષે જીરુંનું 41,748 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે આ વર્ષે માત્ર 25,994 હેકટરમાં થયું છે. લસણનું વાવેતર ગત વર્ષે 6918 હેકટરમાં થયું હતું જેની સામે આ વર્ષે 4444 હેકટરમાં થયું છે. તેમજ શાકભાજીનું વાવેતર ગત વર્ષે 8577 હેકટરમાં થયું હતું જેની સામે આ વર્ષે 25 ટકા જેટલુ વધીને 10047 હેકટરમાં શાકભાજીનું વાવેતર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *