નશામાં ચકચૂર શખસે પોલીસના નામે રાત માથે લીધી

અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં અનેક લોકોને ધાકધમકી આપી લૂંટવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુદ પોલીસ જ દારૂના નશામાં મસ્ત થઈને રસ્તે જનારા લોકોને ડર બતાવી રહી હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે કામથી ઘરે પરત ફરી રહેલા લોકોને રામોલ કેનાલ પાસે કેટલાક શખસોએ દારૂના નશામાં તલવાર અને લાકડીઓ બતાવીને ડરાવ્યા હતા. જેમાં અમે પોલીસમાં છીએ, અહીંથી નીકળવાનું નહીં પાર્ટી ચાલી રહી છે, કહી મારવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક નશામાં ચૂર અને લથડિયાં ખાતા શખસને બે લોકો પકડીને લઈ જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાર્દિક ભરવાડ અને જિગર પટેલ નામના યુવકોએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે તેઓ કામથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રામોલ કેનાલ પાસે આશરે પાંચથી 6 લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને રસ્તા પર જતા લોકોને તલવાર બતાવીને ધમકી આપતા હતા. આ લોકો અંદરો-અંદર ઝઘડો પણ કરી રહ્યા હતા.

અરજી આપનાર યુવકો ત્યાંથી બાઈક લઈને પસાર થતા હતા. તે દરમિયાન ચારથી પાંચ શખ્સ તેમની નજીક આવીને બાઈક રોક્યું હતું. તેમણે SOG પોલીસમાં છીએ એમ કહીને તલવાર બતાવી હતી અને ગાળો આપી હતી. જેથી આ યુવકો ડરી જતા તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. દારૂના નશામાં ચકચૂર શખ્સો અંદરો- અંદર ઝઘડો કરીને એકબીજા પર તલવારથી હુમલો કરતા હતા. તેઓ લોકોને કહેતા હતા કે, અહીંથી નહીં નીકળવાનું, પાર્ટી ચાલે છે. SOGમાં છું, મારું નામ કિરણસિંહ છે. આ દરમિયાન પોલીસના બે કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા. તેમણે આ ફરિયાદી યુવકોને તલવાર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *