રામનાથ મંદિરમાં દારૂડિયાની સ્ટાઈલમાં રીલ બનાવી, 3ની ધરપકડ

શહેરના રામનાથ મહાદેવ મંદિરની છત પર મદિરાના નશામાં ચૂર હોય તે રીતે ગીત પર શરાબની બોટલ પીતા અને બોટલ ફોડી નાચતા ત્રણ શખ્સોએ તમામ મર્યાદા પાર કરી દીધી છે. એટલું જ નહીં આ શખ્સોને પોલીસની લેશ માત્ર ફડક ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયેલો વીડિયો પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસે વીડિયોમાં ભાન ભૂલેલા ત્રણેય શખ્સ જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારને ઝડપી લીધા છે.

આ શરમજનક ઘટના અંગે રામનાથ મંદિરના મુખ્ય સેવક દીપકગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, મંદિરની પાછળના ભાગે આવેલી દીવાલને કારણે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું છે. આ દીવાલ દૂર કરી દેવા માટે અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં કોઇ જવાબદાર તંત્ર ધ્યાને દેતું નથી. અસામાજિક તત્ત્વો દીવાલની આડમાં કાયમ ગોરખધંધા કરે છે. જે વીડિયો વાઇરલ થયો છે તે 15 દિવસ પહેલાનો હોય એવું અનુમાન છે. મંદિરમાં સ્વચ્છતા, મર્યાદા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ કામ કરે છે. જોકે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારી સુરક્ષા પ્રદાન કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *