સુરતમાં કેટલાક રૂટ ઉપર BRTS-સિટી બસ શરૂ થતાં ડ્રાઇવરોનો હલ્લાબોલ

સુરત શહેરમાં BRTS-સિટી બસના 50 ટકા જેટલો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો છે. સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરાયા છે એને કારણે ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જોકે આજે કેટલાક રૂટ પર BRTS-સિટી બસ શરૂ થતાં એનો અન્ય ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા વિરોધ કરાતાં વાતાવરણ તંગ બની ગયું હતું. મામલાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચતાં તેની સાથે પણ માથાકુટ થઈ હતી. એમાં એક પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો હતો. અંદાજે 50 લોકોએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો, જેમાંથી 19 લોકોની ઓળખ થતાં તેની પોલીસે અટકાયત કરી છે.

મળતી માહિતી અનુસાર, ડુમસ રોડ ઉપર સિટી બસ સેવા શરૂ થતાંની સાથે જ ચોક્કસ મુદત પર ઊતરેલા બસના ડ્રાઇવર અને કંડકટર ત્યાં વિરોધપ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આંત્રોલી ખાતે સિટી બસ પહોંચતા જ માથાકૂટ શરૂ થઈ હતી. આંત્રોલી રોડ ઉપર જ સિટી બસનો ઊભી રાખીને એમાં તોડફોડ કરવામાં આવી હતી. સિટી બસ કોન્ટ્રેક્ટના કેટલાક ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલાને થાળે પાડવા જતાં પોલીસ સાથે પણ વિરોધ કરનારા લોકોએ માથાકૂટ-મારામારી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોનો હલ્લાબોલ જોવા મળ્યો હતો. PCR વાનના 902ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું છે. GJ, 5, GV, 2270ના પોલીસકર્મી પર હુમલો થયો હતો. વાતાવરણ તંગ બની ગયું હોવાનો અને હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *