જેતપુર શહેરના ચાંપરાજપૂર રોડ પર પુરપાટ ઝડપે જતા બોલેરોના ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ચાલકને તાબડતોબ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બે દિવસની સારવાર કારગત ન નિવેડતા આજે તેનું મોત નીપજ્યું હતું.
જેતલસરના પોપટપરા વિસ્તારમાં રહેતો ખુશાલ રાજેશભાઈ ભેડા (ઉ.વ.20) જેતપુરમાં આવેલ દર્પણ સ્ટુડીયોમાં નોકરી કરતો હતો તે ગત તા.૧૯ના સ્ટુડીઓમાંથી ચાંપરાજપુર ગામે ઓર્ડરનો તૈયાર થયેલું આલ્બમ આપવા માટે બાઈક લઈ ગયો હતો. ચાંપરાજપુરથી તે પરત ફરતો હતો. ત્યારે ચાંપરાજપુર જેતપુર રોડ પર પહોંચતા પાછળથી પુરપાટ ધસી આવેલ અજાણ્યા બોલેરો ચાલકે હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવારમાં પ્રથમ જુનાગઢ અને બાદમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું. પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડયો હતો. મૃતકના પિતાને અકસ્માત નડતાં પથારીવશ છે મૃતક ત્રણ ભાઈ બહેનમાં વચેટ હતો. બનાવની કરૂણતા તો એ હતી કે મૃતકના પિતાને પણ એક વર્ષ પહેલાં અકસ્માત નડતાં તેમનો એક પગ ભાંગી ગયો હતો અને તે પથારીવશ થઈ ગયા છે. પરિવાર માટે મૃતક યુવાન આજીવિકા માટેનો આધારસ્તંભ હતો. તેનું મોત થતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.