રાજકોટના એક વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતી રાત્રીના તેની બહેન અને કાકા સાથે નાસ્તો કરવા નીકળી હતી. દરમિયાન કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે નાસ્તો કરી તેનું મોટરસાઇકલ ચલાવી ઘર તરફ કાકા સાથે નીકળી હતી તે દરમિયાન કાકા આગળ તેના મોટરસાઇકલમાં નીકળી ગયા હતા અને યુવતી અને તેની બહેન પાછળ રહી જતા એક કાર પાછળથી આવી તેની સાથે ધીમે ધીમે ચલાવી તેની પાસેથી ફોન નંબર અને ઇન્સ્ટાગ્રામ આઇડીની માંગ કરી હતી.
દરમિયાન તેના કાકાના ઘર તરફ જતા ત્યાં સુધી પાછળ આવી પજવણી કરી હતી. બાદમાં કારચાલક નાસી ગયો હોય કાકાને વાત કરી હતી જેથી તેના કાકાએ તપાસ કરી પાછળ જતા અયોધ્યા ચોક પાસે ચાયવાલા કાફે પાસે કાર પડી હતી. દરમિયાન યુવતીના કાકાએ ફોન કરી યુવતીને બોલાવી હતી અને કાર સાથે હાજર શખ્સને બતાવીને પૂછતા તેને આ શખ્સે પજવણી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીના કાકાએ પોલીસને બોલાવી હતી બાદમાં શખ્સને માલવિયાનગર પોલીસે અટકાયત કરી હતી.
પીએસઆઇ પરમાર સહિતે શખ્સની પૂછતાછ કરતા તે આંબેડકરનગરમાં રહેતો નિર્મેશ પોપટભાઇ મકવાણા હોવાનું જણાવતા પોલીસે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.