કોમેડિયન કપિલ શર્માની ત્રીજી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ 21 જૂનથી સ્ટ્રીમ થશે. ફેન્સ આ સીઝનને લઈને વધુ ઉત્સાહિત થયા છે. છ વર્ષ બાદ નવજોત સિંહ સિદ્ધુની શોમાં વાપસી થવા જઈ રહી છે. ત્રીજી સીઝનનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અર્ચના પૂરણ સિંહ, કપિલ શર્મા અને સિદ્ધુપાજીની ત્રિપુટી જોવા મળી રહી છે. આ ઉપરાંત, નવજોત સિંહ સિદ્ધુએ પણ તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને શોમાં પાછા ફરવાની પુષ્ટિ કરી છે.
પુલવામા હુમલા પછી ઊભા થયેલા વિવાદને કારણે નવજોત સિંહ સિદ્ધુને 2019માં ધ કપિલ શર્મા શો છોડવો પડ્યો હતો. ત્યારબાદ તેમના સ્થાને અર્ચના પૂરણ સિંહને લેવામાં આવી હતી, જે હજુ પણ શોનો ભાગ રહેશે. નવજોત સિંહ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની તાજપોશીમાં હાજરી આપવા ગયા હતા. તત્કાલીન પાકિસ્તાની જનરલ બાજવાને ગળે લગાવતો તેમનો ફોટો બહાર આવ્યો. આ પછી, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો. આમાં 40 સૈનિકો શહીદ થયા. આ હુમલા પર નવજોત સિંહ સિદ્ધુએ એક કોમેન્ટ કરી હતી, જેની દેશભરમાં ટીકા થઈ હતી.
અર્ચના પૂરણ સિંહ પણ શોમાં જોવા મળશે ભલે નવજોત સિદ્ધુ કપિલ શર્મા શોમાં પાછા ફરી રહ્યા હોય, પણ તેનાથી અર્ચના પૂરણ સિંહને કોઈ નુકસાન થવાનું નથી. કારણ કે, સિદ્ધુ અને અર્ચના બંને શોમાં સાથે જોવા મળશે. સિદ્ધુએ અગાઉ એમ પણ કહ્યું હતું કે- જો અર્ચના તેમની સાથે બેસશે તો જ તેઓ શોમાં પાછા ફરશે. તાજેતરના વીડિયોમાં, કોમેડિયન કપિલ શર્માએ પણ કહ્યું છે – અર્ચના જી, હવે તમારે ચૂપ રહેવું પડશે, કારણ કે પાજી તમને બોલવા જ નહીં દે.