ઈ-કેવાયસી માટે લોકો હેરાન થઇ રહ્યા છે. અરજદારોને બબ્બે-ત્રણ વાર ધક્કા ખાવા પડે છે. આમ છતાં તેઓનું કામ પૂરું થતું નથી. ત્યારે તંત્ર પોકળ દાવો કરે છે કે કોઇ મુશ્કેલી નથી. જ્યારે વાસ્તવિકતા એ છે કે, અરજદારોને ધક્કા ખાવા પડે છે. આમ છતાં તેઓના કામ પૂરા થતાં નથી. આ મુશ્કેલીને કારણે તેમજ જે લોકોએ ઈ-કેવાયસીને ગંભીરતાથી નથી લીધું તેવા બે હજાર લોકોને રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગે પત્ર લખ્યા છે અને ઈ-કેવાયસીની કામગીરી પૂરી કરવા જણાવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લામાં ઇ-કેવાયસીની 85.57 ટકા કામગીરી થઇ ગઈ છે.
રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યાનુસાર ઇ-કેવાયસીની કામગીરી ઝોનલ ઓફિસ, મામલતદાર ઓફિસ, તેમજ પોસ્ટ વિભાગની સાથે- સાથે ઓનલાઇન પણ કામગીરી થાય છે. ઓનલાઇન કામગીરીમાં જે પ્રોસેસ હોય તે ફોલો કરી લેવામાં આવે તો સરળતાથી થઈ જાય છે. ઓનલાઈન કામગીરીમાં ઓફિસે પણ ધક્કો ખાવાની જરૂરિયાત રહેતી નથી. તેમજ ઈ-કેવાયસી માટે ક્યા ક્યા દસ્તાવેજોની જરૂરિયાત છે તેની વિગતો પણ દર્શાવવામાં આવે છે.
રાશનકાર્ડમાં જેટલા લોકોના નામ હોય તે તમામનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. જ્યારે સર્વરની સમસ્યા થાય ત્યારે ક્યારેક કામગીરી ધીમી પડે છે નહિતર રાબેતા મુજબ કામગીરી ચાલુ રહેતી હોય છે. હાલ સવારથી સાંજ સુધી ઈ-કેવાયસીની કામગીરી ચાલુ રહેતી હોય છે.
ગત માસનો બાકી પુરવઠો વિતરણ કરવા માટેની અંતિમ મુદત 5 જુલાઈ ગત માસનો બાકી પુરવઠો વિતરણ કરવાની મુદત પહેલા 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ અનેક લોકો રાશનથી વંચિત રહ્યા છે ત્યારે તેમને કોઇ મુશ્કેલી પડે નહિ તે માટે પુરવઠા વિતરણની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 5 જુલાઇ સુધી પુરવઠાનું વિતરણ કરવામાં આવશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. લાભાર્થીઓને સમયમર્યાદામાં પુરવઠો લઇ લેવા માટે જણાવ્યું છે.