રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.30-4ના આદેશથી એક જ સરકારી કોલેજમાં 5 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા અધ્યાપકોની બદલી માટે વિગતો મગાવવામાં આવી હતી અને ત્યારબાદ એનસીસીની જવાબદારી સંભાળતા અધ્યાપકો, અંધ અધ્યાપકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા અધ્યાપકોની રજૂઆતોનો મારો થતાં શિક્ષણ વિભાગે આ તમામને બદલીના દાયરામાંથી મુક્તિ આપી દેતા અન્ય અધ્યાપકોમાં કચવાટ પ્રસરી ગયો છે અને હવે લાગવગ નહીં ધરાવતા અધ્યાપકોની જ બદલી થશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા એક જ સરકારી કોલેજમાં 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા અધ્યાપકોની વિગતો કોજન્ટ પોર્ટલ પર મગાવવામાં આવી હતી અને તા.10થી 19 મે સુધી બદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં વર્કલોડ, હયાત જગ્યાઓ તેમજ 5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પ્રાધ્યાપકોની જગ્યાઓ સાથે કુલ ખાલી જગ્યા દર્શાવવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હવે છૂટછાટ આપતો પરિપત્ર કમિશનર કચેરીએ કરતાં કચવાટ પ્રસરી ગયો છે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ ગત તા.17-5ના રોજ કરેલા પરિપત્ર મુજબ હવે રાજ્યના માન્ય સંઘ અને 100 ટકા અંધ ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતો સંદર્ભે કેમ્પ સમિતિ દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ, ઉચ્ચ શિક્ષણ મંડળના તા.24-2-2025ના પત્રથી હોદ્દેદારોના નામો તથા હોદ્દેદારોનો સમયગાળો 24-2-2025થી આગામી 3 વર્ષ સુધી ઠરાવેલ છે. આથી હાલ ઉક્ત માન્ય સંઘના હોદ્દેદારો સામે કોઇ ગંભીર ગેરશિસ્ત ધ્યાન ન આવેલી હોય બદલી કેમ્પમાં રક્ષણ આપીએ, તેમજ હાલ ઉક્ત માન્ય સંઘમાં કુલ 18 હોદ્દેદારો છે જે પૈકી 10 હોદ્દેદારો જે તે હાલની કોલેજમાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય શિક્ષણ વિભાગના 30-4-2025ના ઠરાવ મુદ્દા નં.2.5 મુજબ 5 વર્ષ કરતાં એક જ કોલેજમાં વધુ સમયથી ફરજ બજાવતા હોય તેઓની જગ્યા ખાલી બતાવવાની રહેશે તેમાંથી મુક્તિ આપી તેઓના વિષયની જગ્યાને કેમ્પમાં ખાલી જગ્યા તરીકે જાહેર કરવાની રહેશે નહીં.